અમે વાઇરલ થયા રે લો’લ

ક્યા બાત!

આજે ઘણાં વરસે ફુરસદ કાઢીને બ્લોગ પર કંઈક લખવાનું મન થઈ આવ્યું. કોઈ ઘટના કે સંદર્ભ વિશેની ફિલોસોફી પર શબ્દો માંડુ એવો પહેલો વિચાર આવ્યો. ક્યાંક ઓચિંતો અણચિંતવ્યો એકાદ ભૂલ્યો ભટક્યો હટકે વિચાર મનમાં ક્લીક થાય અને એ ટાંય ટાંય ફિસ્સ ન થઈ જાય એ માટે એને Google Keep માં ટપકાવી લેવાની મને ટેવ પડી ગઈ છે. આથી Google Keep માં ખાંખાખોળા કરવા માંડ્યો. એમાં આ મારી ટચુકડી રચના (ડ્રેબલ)  હાથ લાગી.

શીર્ષક – ખભો 

રિમઝિમ વરસાદમાં, હાથમાં છત્રી હોવા છતાં, એ ઘેર આવ્યા ત્યારે, ફક્ત ડાબો ખભો ભીનો જોઈને વીસ વરસાદ જોઈ ચુકેલી એની પત્ની તાડૂકી, “કઈ ચૂડેલને છત્રીમાં લીધી હતી? એકવાર ઘેર તો લઈ આવો.”

-સંજય ગુંદલાવકર
લખ્યું – તા. ૦૧/૦૭/૨૦૧૯

આ રચના  પછીથી વોટ્સેપમાં ઘણી વાઇરલ થઈ. અલબત્ત, એની પેરોડી બની હતી. જેમાં પાત્રની ફેરબદલી થઈ હતી. પત્નીને બદલે માને લેવામાં આવી હતી. એમાંથી એક આ મુજબની હતી, (મોકલનાર મિત્ર જિગ્નેશભાઈ અધ્યારું)

રિમઝિમ વરસાદમાં, હાથમાં છત્રી હોવા છતાં, એ ઘેર આવ્યો ત્યારે, ફક્ત ડાબો ખભો ભીનો જોઈને પચાસ વરસાદ જોઈ ચુકેલી એની બાએ કીધુ, “અરે એને એકવાર ઘેર તો લઈ આવ.”

આ રચના વિશે Facebook પર ઘણી ચર્ચા થઈ જેની લીંક આ રહી  –
https://m.facebook.com/story.php?story_fbid=2774891455860394&id=100000187013226

ખેર.. મારા માટે તો આ દુહેરી લાગણી હતી. એક તો – અમે વાઇરલ થયા રે લો’લ એનો હર્ષ અને નામ વગર, છેડછાડ સહિત વાઇરલ કાં થયા  રે લો’લ એનો શોક..

વિચારવંત તેમજ સજાગ વાચકોને સલામ. જે આવી ત્રુટીઓને પકડીને એ વ્યક્તિના કાન આમળી શકે. નહીંતર આગળ જતાંને ઘણાંયના મુખેથી આવી વાક્ધારા વહેતી થાશે કે, “સાહિત્યમાં તો આવું બધું ચાલ્યા કરે.”

કો’કના ધ્યાનમાં આવે ત્યારે સાચા લેખકનું, કવિનું, રચનાકારનું નામ સામે આવે. નહીંતો હરાયા ઢોર જેવા ફોરવર્ડીયા મેસેજ બનીને વૉટસઍપ કે ઇન્સ્ટાગ્રામમાં ફરતા રહે.  તો હે મારાસજાગ વાચકો.. બીજા કોઈકનું સર્જન નામોની, પાત્રોની કે સ્થળની હેરાફેરી કરીને એ જ વિષયવસ્તુ પોતાના નામે ચઢાવી લેતાં સાહિત્યકારોને સાહિત્યકાર કહેવા કે ઉઠાવગીર?

-અસ્તુ
-સંજય ગુંદલાવકર
તા. ૧૨/૧૦/૨૦૧૯

અજંપો

સવાલો હજી કળ્યા નથી.
જવાબો હજી મળ્યા નથી.
વિશ્વાસનો શ્વાસ રુંધાય,
વહાણ પાછા વળ્યા નથી.
સજળ આંખે સ્વપ્નો શેષ,
મૃગજળે કદી છળ્યા નથી.
તારાઓ મારા મથ્યા ખૂબ,
ઝબક્યા એ ઝળહળ્યા નથી.
ઈશારાને ક્યાંથી સમજે?
શબ્દોથી જે પલળ્યા નથી
રસ્સી બળીને રાખ થઈ
વળના ગાત્રો ગળ્યા નથી
જે થાકી હારીને જંપી ગયો
ઉજાગરા એના ફળ્યા નથી

સ્પંદન

એમ મોઢામોઢ બધુંજ પૂછાય નહિ
હા કહેશે કે ના? કાંઈ કહેવાય નહિ
કરવાને તો ઈશારાથીય વાતો થાશે
મોઘમ રહેવામાં કાંઈ સમજાય નહિ
મૌનના ધબકારમાં અક્ષરો અમાપ
સ્પંદનોને ત્રાજવામાં તોળાય નહિ
મોકો મળતાંજ શબ્દો ઠાલવી દીધાં
તમારા વગર જિંદગી જીવાય નહિ
એના એકરારને કાન તરસ્યા મારા
આશ રાખી કે ઇન્કાર રેલાય નહિ
એ આખરે માત્ર એટલુંજ બોલી કે
મોડા પડ્યા ભઇ, હવે કાંઈ થાય નહિ

ઈચ્છા

શંકરઅન્ના ગઇકાલ રાતથી જ ઉદાસ હતો. એના પર લાગેલા કિડનેપ, માનવ અંગોની તસ્કરી ને ખૂનના આરોપો સુપ્રીમ કોર્ટમાં પૂરવાર થતાં એને ફાંસીની સજા ફટકારવામાં આવી હતી. ગોડફાધર એને છોડાવી લેશે એ આશા પર પાણી ફરી વળ્યું હતું. રાષ્ટ્રપતિ દ્વારા દયાની અરજી પણ નકારવામાં આવી હતી.

યેરવડા જેલમાં ૩૩ વર્ષ સુધી સત્તાવાર અને શાસ્ત્રીય પદ્ધતિથી તાલીમ પ્રાપ્ત જલ્લાદ તરીકે કામ કરનારા ગણપતે ૧૦૧ જણને ફાંસી આપ્યા બાદ નિવૃત્તિ  લઈને શાંતિથી જીવન જીવવાની ઈચ્છા જેલરને જણાવી હતી. ગણપત અતિ ઉત્સાહમાં હતો. ૧૦૦નો આંકડો પાર કરવાની ઈચ્છા છેલ્લા ત્રણેક વર્ષથી અધ્ધરતાલ હતી એ આજે સાકાર થવા જઇ રહી હતી.

ગણપત જેલર સાથે શંકરઅન્નાની કોટડી પાસે ગયો.

“શંકર.. આ ગણપત, તને લટકાવ્યા બાદ નિવૃત્ત થાય છે. આના હાથે તારો ૧૦૧મો નંબર છે. કાલ સવારે તને ફાંસી આપી દેવાશે. તારી કોઈ આખરી ઈચ્છા હોય તો કહી દે.” ને ગણપતના મ્હોં પર સ્મિત ફરી વળ્યું.

ઘણા નિર્દોષોને લટકાવીને છરાથી કિડની, આંખો વગેરે કાઢનાર શંકરઅન્ના રડી પડ્યો. પહેલી વાર શંકરઅન્નાના શરીરમાં ધ્રુજારી છુટી ગઈ. “જેલર સાહેબ, મને દેહદાન કરવું છે.”

“દેહદાન?” જેલર ને ગણપત અવાચક બની શંકરઅન્નાને જોઈ રહ્યા.

ગણપતને પોતાની ઈચ્છા અધુરી રહેવાના અણસાર આવવા લાગ્યા.

કોની ઈચ્છાને માન આપવું? જેલર વિચારમાં પડી ગયા.

ઈચ્છાનો અમલ વિલંબમાં ન થાય એ માટે જેલર ને ગણપત રવાના થયા.

 

ગીતાસાર

અર્જુન ઝૂંપડપટ્ટીના કાટમાળ પર બેસીને મધ્ય રેલ્વેના માણસોને ગાળો ભાંડતો હતો. ફરિયાદ કરી રહ્યો હતો…

“મારી પાસે રેશનકાર્ડ છે ને મતદારયાદીમાં મારું નામ પણ છે. અમારાં ઝૂંપડાં ભલે તોડવામાં આવ્યાં, છતાં અમે અહીંથી નહીં હટીએ.”

૧૯૯૫ પછી બંધાયેલા… હથોડાના ફટકા… પુનર્વસન… ટ્રેક પાસે રમતાં બાળકો… એક્સિડન્ટનો ભય… ચાલુ ગાડીએ પથરો ફેંકવો… શરમ વગરના નેતાઓ… વરિષ્ઠ અધિકારીઓની લાચારી… વૈકલ્પિક વ્યવસ્થાનો અભાવ… એવાં કેટકેટલાં શબ્દો શોરબકોર બની સંભળાતા હતાં.

અર્જુનનું માથું ફાટફાટ થાતું હતું. શું કરવું? ને ક્યાં જાવું? કાટમાળથી થોડે દૂર એનો દીકરો એચએસસીની પરીક્ષાની તૈયારી કરતો હતો. અર્જુનને ચિંતાઓ પજવતી હતી ત્યાં જ એનો મિત્ર ક્રિશ્ના પીધેલી હાલતે લથડિયા ખાતો આવ્યો.

“એય… તારું પણ તોડી નાખ્યું!?” ને જોરજોરથી હસી પડ્યો. એનું અટ્ટહાસ્ય અર્જુનને ડાઝ્યા પર ડામ જેવું લાગ્યું.

અર્જુનની નજરોની તીખાશ જોઈ, “અરે અર્જુન… નારાજ શાને થાય. ભગવાન કૃષ્ણે ગીતામાં કહ્યું છે કે, “જે થઈ રહ્યું છે એ સારા માટે જ થાય છે ને…” વળી એ જોરજોરથી હસી પડ્યો.

અર્જુન ફટાક દેતો ઊભો થયો ને… સટાક દઈને ક્રિશ્નાના ગાલ પર તમતમતો તમાચો ચોડી દીધો. અડબોથિયું ખાઈ ક્રિશ્ના નીચે પડ્યો.

“આ પણ તારા સારા માટે જ થયું છે. એમ ભગવાને ગીતામાં કહ્યું છે.”

 

આંધળી દોટ

અનિકેત તેમજ એનાં માતા-પિતા અને સાસુ-સસરાને હજી સુધી કારણ જડતું ન હતું કે એવી તે કઈ બાબત હતી, જેના કારણે અલકાને આત્મહત્યા કરવા સુધીનું પગલું ભરવું પડ્યું.

ત્યાંજ પાંચ વર્ષનો અભય દોડતો દોડતો અનિકેતની પાસે આવ્યો. “પપ્પા… પપ્પા… મમ્મીએ આંખો ખોલી!” અનિકેત ઝડપથી આઈસીયુમાં ગયો. અનિકેતને જોઈ અલકાએ નજર ફેરવી લીધી.

“અલકા, આ તને શું સૂઝ્યું?” કશોય પ્રત્યુત્તર આપ્યા વિના એ અભયના ગાલ પંપાળતી રહી. “અલકા જવાબ દે.”

“અલકા બેટા…” પોતાનાં માતા-પિતા તેમજ સાસુ-સસરાને આવેલા જોઈ અલકાની આંખમાં આંસુ ધસી આવ્યાં.

“બસ બેટા બસ ! હવે જરા માંડીને વાત કરીશ?” અલકાના સસરા બોલ્યા. એક નજર બધા પર ફેરવી, અલકાએ અનિકેત પર નજર અટકાવી.

“અનિકેત… આપણા અભયનું મેં જ અપહરણ કરાવ્યું હતું.”

“હેંએંએંએં…! “આ શું બોલે છે તું?” “ના હોય!”

“હા”

“પણ કેમ?”

“તારા લીધે અનિકેત. તારા લીધે મારે અભયના અપહરણનું નાટક ભજવવું પડ્યું હતું. પરતું મને મારો અંતરાત્મા ડંખ્યો અને મેં બેગોન સ્પ્રેનું…” અનિકેત હજી અવઢવમાં અટવાયેલો છે.

“મારા લીધે? અપહરણ… એ નાટક હતું? ઓહ ગોડ! મારે કારણે?”

“હા અનિકેત હા, તારે કારણે. તારી પૈસા પાછળની આંધળી દોટને કારણે તને તારા કામકાજમાંથી ઘર માટે, દીકરા માટે, પત્ની માટે, મા-બાપ માટે સમય મળે છે? આ આંધળી દોટમાંથી તને પાછો લાવવા માટે મારે આ બધું…”

સૌના મ્હોં પર ચૂપકીદી છવાઈ ગઈ.

માણસ

માણસ… …

મોંઘી જણસ ?! કે –

સળગતું ફાનસ ?!

માણસ…

હાલતો માણસ… ચાલતો માણસ,

પડતો માણસ ને આખડતો માણસ.

ટોળાનો માણસ, ખોળાનો માણસ;

ભટક્તો માણસ તે અટકતો માણસ.

સાચો માણસ – કાચો માણસ,

ખોટો માણસ તે મોટો માણસ.

જીવતો માણસ… મરતો માણસ,

જીવતાં જીવતાં મરતો માણસ,

મરતાં મરતાં જીવતો માણસ.

માણસ…

આ માણસ જુદો,

પેલો માણસ જુદો.

માણસ – માણસે માનસ જુદો,

માણસ – માણસના માનસને ખૂંદો,

માણસ – માણસમાં ફરક ઘણો,

માણસ – માણસની પરખ જાણો.

અસ્તિત્વ

ઉછીનો લઉં છું શ્વાસ તમામ,

ઉછીનો પોતાપણાનો અહેસાસ તમામ.

મને ધીરનારો છે ઉપરવાળો,

બહુ છે મોટું કામકાજ તમામ.

છોને ઉધારની જિંદગી જીવતો,

રોકડામાં છે મારો હિસાબ તમામ.

અણુએ અણુમાં એનો હિસ્સો છે,

એના-મય છે અહીં ચીજો તમામ.

જો અસ્તિત્વ એનું હોય !? તો કેમ –

ધરતી પર છે આટલાં દુઃખદર્દ તમામ ?

અસ્તિત્વ જો એનું નથી !? તો કઈ રીતે –

ચાલતો આ સકલ વિશ્વનો કારભાર તમામ ?

મેળવશો કેમ ?

મહેફિલ છે ને જામ છે,

રંગીન શાયરાના શામ છે.

ચર્ચાનો વિષય છે – ‘પ્રેમ’,

ને બેવફાઈ બદનામ છે.

ઠોકરો ખાધી છે જેમણે,

આવ્યાં એ તમામ છે.

નામ તો કોઈના ખ્યાલ નથી,

પ્રેમી’ એ જ ઉપનામ છે.

કહો એવું કે હૃદયને લાગે,

કે એવા વિચારો ને સલામ છે.

આપ્યો ના પ્રેમ? તો મેળવશો કેમ?

પામ્યો ના એ કૉ’ મકામ છે.

નિચોડ છે એટલો જ કે – ‘પ્રેમ’

લેવાનું નહીં આપવાનું નામ છે.

લાવારિસ

અતિશય ગીચ વસ્તીમાં હું રહું છું,

એયને નિજ મસ્તીમાં હું રહું છું.

ન કોઈ શિકાયત, લાગણી કે માગણીઓ,

જે પાસ છે એ ચીજ-પરસ્તીમાં હું રહું છું.

‘કોણ છું હું ?’ ખુદ ન જાણું મા-બાપ મારાં,

લાવારિસ છું તેથી બિનધાસ્તીમાં હું રહું છું.

રોજ કમાઉં ને રોજ ખાઉં ટેસથી,

લાગતું નથી કે કમબખ્તીમાં હું રહું છું.

આ શહેરમાં મારું સ્થાન છે જ ક્યાં ?

હોવા ન હોવાપણાની હસ્તીમાં હું રહું છું.

માર્યે રાખું છું હલેસાં ગમના દરિયામાં,

કાગળની જ તો કશ્તિમાં હું રહું છું.

ડૂબી ગૈ જો કશ્તિ, આંસુ વહાવશે કોણ ?

લાવારિસ છું તેથી નિરાશક્તિમાં હું રહું છું.