મેળવશો કેમ ?

મહેફિલ છે ને જામ છે,

રંગીન શાયરાના શામ છે.

ચર્ચાનો વિષય છે – ‘પ્રેમ’,

ને બેવફાઈ બદનામ છે.

ઠોકરો ખાધી છે જેમણે,

આવ્યાં એ તમામ છે.

નામ તો કોઈના ખ્યાલ નથી,

પ્રેમી’ એ જ ઉપનામ છે.

કહો એવું કે હૃદયને લાગે,

કે એવા વિચારો ને સલામ છે.

આપ્યો ના પ્રેમ? તો મેળવશો કેમ?

પામ્યો ના એ કૉ’ મકામ છે.

નિચોડ છે એટલો જ કે – ‘પ્રેમ’

લેવાનું નહીં આપવાનું નામ છે.

Advertisements

લાવારિસ

અતિશય ગીચ વસ્તીમાં હું રહું છું,

એયને નિજ મસ્તીમાં હું રહું છું.

ન કોઈ શિકાયત, લાગણી કે માગણીઓ,

જે પાસ છે એ ચીજ-પરસ્તીમાં હું રહું છું.

‘કોણ છું હું ?’ ખુદ ન જાણું મા-બાપ મારાં,

લાવારિસ છું તેથી બિનધાસ્તીમાં હું રહું છું.

રોજ કમાઉં ને રોજ ખાઉં ટેસથી,

લાગતું નથી કે કમબખ્તીમાં હું રહું છું.

આ શહેરમાં મારું સ્થાન છે જ ક્યાં ?

હોવા ન હોવાપણાની હસ્તીમાં હું રહું છું.

માર્યે રાખું છું હલેસાં ગમના દરિયામાં,

કાગળની જ તો કશ્તિમાં હું રહું છું.

ડૂબી ગૈ જો કશ્તિ, આંસુ વહાવશે કોણ ?

લાવારિસ છું તેથી નિરાશક્તિમાં હું રહું છું.

શબ્દ

શબ્દ એનો સ્વામી, શબ્દ એને ગમે છે.

શબ્દ એનો સાથી, શબ્દથી એ રમે છે.

શબ્દ એની સનમ, શબ્દને એ ચૂમે છે.

શબ્દ એની તલવાર, શબ્દથી એ ઝઝૂમે છે.

શબ્દ એનાં આંસુ, શબ્દથી એ રડે છે.

શબ્દ એનો હર્ષ, શબ્દથી એ હસી પડે છે.

શબ્દ એનો મિત્ર, શબ્દને ગળે લગાવે છે.

શબ્દ એનો શત્રુ, શબ્દની બાંયો ચડાવે છે.

શબ્દ એનું જીવન, શબ્દમાં એ અવસર ભાળે.

શબ્દ એનું મોત, શબ્દમાં એ કબર ભાળે.

શબ્દ એનો ‘હું’, શબ્દથી ગુમાન બતાવે છે.

શબ્દ એનો ‘તું’, શબ્દથી શિશ ઝુકાવે છે.

શબ્દ એનો મધમીઠો, શબ્દ મલમ બની જાય છે.

શબ્દ તીખો તમતમતો, શબ્દ ઘાવ કરી જાય છે.

શબ્દની સજાવી મહેફિલ, શબ્દ કેરો જામ પીધો.

શબ્દમાં ગોતી લે ને, શબ્દે-શબ્દે એક સંદેશ દીધો.

કોની મજાલ છે ?

ચલ…!

ચલ આવ હવે…!

જોઈએ કોની મજાલ છે ?

આજ કરતાં –

ઊજળી આવતી કાલ છે.

હાલ ભૂંડા ભલે હાલ છે;

દેખાવ સાવ કંગાલ છે,

બદન લોહીલુહાણ ને-

ભલે ખોડંગાતી ચાલ છે.

લડી લઇશ ભાવિ સાથે,

મારો સાથી ભૂતકાલ છે.

ડર નહીં…

એમાં વળી શું ડરવાનું ?!

આપણું ભાવિ –

તો આપણે જ ઘડવાનું.

જે વિધાતાને માન્ય હશે –

તે થઇને જ રહેવાનું…!

સમય

સમય કદીય ના થોભે,

સમય તો વહેતો જાય.

સમય સમયે જે વાત આવે,

સમય સમયે જ એ સમજાય.

સમય સમયમાં ફરક છે ઝાઝો,

સમય સમયે એ સમજી લ્યો.

સમય સમયે જો ના સમજી શકો,

તો સમયને ના દોષ દેશો.

 

એક હાથે

પ્લૅટ્ફૉર્મ પર પડી એક બૂમ.

“કૂલી… કૂલી… ”

ચકળવકળ થઈ બે આંખો.

ને બૂમની દિશાએ વળ્યો-

એક હાથ વિનાનો-

એક બુઢ્ઢો ઠૂંઠો કૂલી.

અચરજ ભરી આંખો અટકી,

એ કૂલીની ઝૂલતી બાંય પર.

ને સવાલ એક પુછાયોઃ

“એક હાથે ઊંચકી શકશે કે?”

એક નજર બોજા પર મારી,

ઠૂંઠો ફિક્કું હસ્યો ને-

જવાબ દીધોઃ

“હાથ ભલે બોજો ન ઊંચકી શકે.

પણ આ… પાપી પેટ… …

એ તો જરૂર ઊંચકી લેશે.”

બોજો કાંધે લદાયો.

એ ઝૂલતી બાંયને જોઈ રહ્યો.

આમ કેમ થાય ?

આવું તો અહીં ઘણું ઘટી જાય;

તોય સર્વ ચૂપચાપ, બધા નિઃસહાય.

કોર્ટ-કચેરીના ચક્કરે ખાસડાં ઘસાય,

તોય મળે છે કોને સાચો ન્યાય.

ભલમનસાઇમાં ગાંઠના ગોપીચંદન ખર્ચાય,

ભલાના બદલામાં બૂરું આપણું થાય.

રોજ એક કૌભાંડનો પર્દાફાશ થાય,

સત્તાનો સરેઆમ દૂરુપયોગ કરાય.

બધા આપસમાં લડી લડીને મરી જાય,

એકતા ને સંગઠન તોય ક્યાં રચાય.

વચનો ને ભાષણો મોટાં મોટાં અપાય,

શું ખાક પછી વચનો પૂરાં કરાય.

યુનિયનની ચક્કીમાં મજૂર પિસાય,

લીડર તો તૈયાર આટો ખાય.

રાજરમતના દાવપેચ રોજ રમાય,

આઝાદીના લડવૈયા ઉપર બેઠા શરમાય.