ઈચ્છા

શંકરઅન્ના ગઇકાલ રાતથી જ ઉદાસ હતો. એના પર લાગેલા કિડનેપ, માનવ અંગોની તસ્કરી ને ખૂનના આરોપો સુપ્રીમ કોર્ટમાં પૂરવાર થતાં એને ફાંસીની સજા ફટકારવામાં આવી હતી. ગોડફાધર એને છોડાવી લેશે એ આશા પર પાણી ફરી વળ્યું હતું. રાષ્ટ્રપતિ દ્વારા દયાની અરજી પણ નકારવામાં આવી હતી.

યેરવડા જેલમાં ૩૩ વર્ષ સુધી સત્તાવાર અને શાસ્ત્રીય પદ્ધતિથી તાલીમ પ્રાપ્ત જલ્લાદ તરીકે કામ કરનારા ગણપતે ૧૦૧ જણને ફાંસી આપ્યા બાદ નિવૃત્તિ  લઈને શાંતિથી જીવન જીવવાની ઈચ્છા જેલરને જણાવી હતી. ગણપત અતિ ઉત્સાહમાં હતો. ૧૦૦નો આંકડો પાર કરવાની ઈચ્છા છેલ્લા ત્રણેક વર્ષથી અધ્ધરતાલ હતી એ આજે સાકાર થવા જઇ રહી હતી.

ગણપત જેલર સાથે શંકરઅન્નાની કોટડી પાસે ગયો.

“શંકર.. આ ગણપત, તને લટકાવ્યા બાદ નિવૃત્ત થાય છે. આના હાથે તારો ૧૦૧મો નંબર છે. કાલ સવારે તને ફાંસી આપી દેવાશે. તારી કોઈ આખરી ઈચ્છા હોય તો કહી દે.” ને ગણપતના મ્હોં પર સ્મિત ફરી વળ્યું.

ઘણા નિર્દોષોને લટકાવીને છરાથી કિડની, આંખો વગેરે કાઢનાર શંકરઅન્ના રડી પડ્યો. પહેલી વાર શંકરઅન્નાના શરીરમાં ધ્રુજારી છુટી ગઈ. “જેલર સાહેબ, મને દેહદાન કરવું છે.”

“દેહદાન?” જેલર ને ગણપત અવાચક બની શંકરઅન્નાને જોઈ રહ્યા.

ગણપતને પોતાની ઈચ્છા અધુરી રહેવાના અણસાર આવવા લાગ્યા.

કોની ઈચ્છાને માન આપવું? જેલર વિચારમાં પડી ગયા.

ઈચ્છાનો અમલ વિલંબમાં ન થાય એ માટે જેલર ને ગણપત રવાના થયા.

 

ગીતાસાર

અર્જુન ઝૂંપડપટ્ટીના કાટમાળ પર બેસીને મધ્ય રેલ્વેના માણસોને ગાળો ભાંડતો હતો. ફરિયાદ કરી રહ્યો હતો…

“મારી પાસે રેશનકાર્ડ છે ને મતદારયાદીમાં મારું નામ પણ છે. અમારાં ઝૂંપડાં ભલે તોડવામાં આવ્યાં, છતાં અમે અહીંથી નહીં હટીએ.”

૧૯૯૫ પછી બંધાયેલા… હથોડાના ફટકા… પુનર્વસન… ટ્રેક પાસે રમતાં બાળકો… એક્સિડન્ટનો ભય… ચાલુ ગાડીએ પથરો ફેંકવો… શરમ વગરના નેતાઓ… વરિષ્ઠ અધિકારીઓની લાચારી… વૈકલ્પિક વ્યવસ્થાનો અભાવ… એવાં કેટકેટલાં શબ્દો શોરબકોર બની સંભળાતા હતાં.

અર્જુનનું માથું ફાટફાટ થાતું હતું. શું કરવું? ને ક્યાં જાવું? કાટમાળથી થોડે દૂર એનો દીકરો એચએસસીની પરીક્ષાની તૈયારી કરતો હતો. અર્જુનને ચિંતાઓ પજવતી હતી ત્યાં જ એનો મિત્ર ક્રિશ્ના પીધેલી હાલતે લથડિયા ખાતો આવ્યો.

“એય… તારું પણ તોડી નાખ્યું!?” ને જોરજોરથી હસી પડ્યો. એનું અટ્ટહાસ્ય અર્જુનને ડાઝ્યા પર ડામ જેવું લાગ્યું.

અર્જુનની નજરોની તીખાશ જોઈ, “અરે અર્જુન… નારાજ શાને થાય. ભગવાન કૃષ્ણે ગીતામાં કહ્યું છે કે, “જે થઈ રહ્યું છે એ સારા માટે જ થાય છે ને…” વળી એ જોરજોરથી હસી પડ્યો.

અર્જુન ફટાક દેતો ઊભો થયો ને… સટાક દઈને ક્રિશ્નાના ગાલ પર તમતમતો તમાચો ચોડી દીધો. અડબોથિયું ખાઈ ક્રિશ્ના નીચે પડ્યો.

“આ પણ તારા સારા માટે જ થયું છે. એમ ભગવાને ગીતામાં કહ્યું છે.”

 

આંધળી દોટ

અનિકેત તેમજ એનાં માતા-પિતા અને સાસુ-સસરાને હજી સુધી કારણ જડતું ન હતું કે એવી તે કઈ બાબત હતી, જેના કારણે અલકાને આત્મહત્યા કરવા સુધીનું પગલું ભરવું પડ્યું.

ત્યાંજ પાંચ વર્ષનો અભય દોડતો દોડતો અનિકેતની પાસે આવ્યો. “પપ્પા… પપ્પા… મમ્મીએ આંખો ખોલી!” અનિકેત ઝડપથી આઈસીયુમાં ગયો. અનિકેતને જોઈ અલકાએ નજર ફેરવી લીધી.

“અલકા, આ તને શું સૂઝ્યું?” કશોય પ્રત્યુત્તર આપ્યા વિના એ અભયના ગાલ પંપાળતી રહી. “અલકા જવાબ દે.”

“અલકા બેટા…” પોતાનાં માતા-પિતા તેમજ સાસુ-સસરાને આવેલા જોઈ અલકાની આંખમાં આંસુ ધસી આવ્યાં.

“બસ બેટા બસ ! હવે જરા માંડીને વાત કરીશ?” અલકાના સસરા બોલ્યા. એક નજર બધા પર ફેરવી, અલકાએ અનિકેત પર નજર અટકાવી.

“અનિકેત… આપણા અભયનું મેં જ અપહરણ કરાવ્યું હતું.”

“હેંએંએંએં…! “આ શું બોલે છે તું?” “ના હોય!”

“હા”

“પણ કેમ?”

“તારા લીધે અનિકેત. તારા લીધે મારે અભયના અપહરણનું નાટક ભજવવું પડ્યું હતું. પરતું મને મારો અંતરાત્મા ડંખ્યો અને મેં બેગોન સ્પ્રેનું…” અનિકેત હજી અવઢવમાં અટવાયેલો છે.

“મારા લીધે? અપહરણ… એ નાટક હતું? ઓહ ગોડ! મારે કારણે?”

“હા અનિકેત હા, તારે કારણે. તારી પૈસા પાછળની આંધળી દોટને કારણે તને તારા કામકાજમાંથી ઘર માટે, દીકરા માટે, પત્ની માટે, મા-બાપ માટે સમય મળે છે? આ આંધળી દોટમાંથી તને પાછો લાવવા માટે મારે આ બધું…”

સૌના મ્હોં પર ચૂપકીદી છવાઈ ગઈ.

ઉઝરડા

‘આ પેડેડ બ્રા ને આટલો બધો હેવી મેક અપ? શુંં ગરજ છે તને આ ધતીંગની?’

‘મમ્મી પ્લીઝ, પકાવ નહીં, ઑલરેડી આઈ એમ લેટ’ ને એ ઉંબરો ઓળંગી ગઈ.

‘હે ભગવાન, શું થશે આનું?’

‘મમ્મી..’ ડોરબેલ રણકી, ટીપોય પર મોબાઈલ પડેલો દેખાયો, ઉંચકાયો ને દરવાજો ફરીથી ગરજી ઉઠ્યો, ‘મમ્મી..!!’

‘આવી.’ મિજાગરો ખોલતાં જ દરવાજો અથડાયો.. ધડામ.. માથું ફાટી જાય એવું પરફ્યૂયૂમ ગંધાયું,

‘કોણ જાણે તારૂ શું થશે? ભૂલથીય જો ભટકાયો તો તારો બાપેય તને ઓળખી શક્શે નહીં.’

‘એ ભૂતને તો વશમાં કરીશ જ..’

“પણ ભવિષ્ય જોઈને શું ફાયદો? એ તને મળશે એની ખાત્રી છે?”

‘હા મમ્મી, નહીં તો આ પેડેડ બ્રા, ને આટલા બધા હેવી મેક અપની મને ગરજ નથી.’

પહેલી વાર પેડેડ બ્રાની પાછળના ઉઝરડા મમ્મીના આંસુ બનીને ટપકી પડ્યા.

 

વ્યાવહારિક વિકલ્પ

એણે ફોર્મ આડે હાથે મુકાઈ ગયાનું ઝૂઠ પકડી રાખ્યું હતું. મમ્મીનો વૃદ્ધાશ્રમનો વ્યાવહારિક વિકલ્પ એને મંજુર ન હતો. મમ્મીનું વૈધવ્ય તો એનેય સાલતું હતું. અચાનક…

મમ્મીના ફેસબુક ફ્રેન્ડસ “રોનક”, ને એણે.. એણે.. વાંચેલું મમ્મીના વોટ્સ એપ ગ્રુપમાં ચેટ એને યાદ આવ્યું.

ને એના ચેહરા પર રોજ કરતા કૈંક અલગ રોનક આવી ગઈ.

“યાદ કરવાનું ભૂલીને શું વિચારે ચડી ગયો દીકરા ?”

હિંમત કરીને એણે છેવટે પૂછી જ લીધું:

“મમ્મી… ! રોનક અંકલ… !?“

“… !!??”

“મમ્મી!… રોનક અંકલને જ વૃદ્ધાશ્રમમાંથી આપણાં ઘરે લઈ આવીએ તો ???

મમ્મી અવાચક બનીને જોતાં જ રહી ગયાં…. વૈધવ્ય, અતીત, વૃદ્ધાશ્રમમાં ઝૂરતો પ્રેમી રોનક,  સેકન્ડ ઈનીંગ. ચહેરા પર એક દર્દીલું હાસ્ય ઉપસી આવ્યું.

સચવાય ગયાં ને જળવાય રહ્યાંની ભાવના સહ, માં-દીકરા બંન્ને એકમેકને ભીની આંખે તાકી રહ્યા…